*.*.*.* તોરણે બાંધ્યા તારા *.*.*.*

        એસીની કડકડતી ઠંડી થી રોહનનો રૂમ મનાલીના બરફાચ્ચાદિત ડુંગરોની જેમ થીજી ચુક્યો હતો, ત્યારેજ ઉભી રહેલી ટેબલે લૅમ્પ બંધ કરી અને એસી બંધ કરી લિવિંગ રૂમની ટકાટક ચમકતી સફેદ ટાઇલો પર પોતાના ઉઘાડા પગે ઠંડા પગલાં પાડી રોહન ઉછળીને સોફા પર બેઠો. ઘરનો એકાંત અને એસીના કમ્પ્રેસર માંથી ટપકતાં ટપ ટપ પાણીના ટીપાંનો અવાજ રોહનના મનમાં આવતા કેટલાક વિચારો ભંગ કરી દેતો. રોહનની નજર ઝડપથી દોડી રહી હતી. ખુરસીઓ પર બેસી ચીસો પાડતા લોકોની રાજકારણીય ચર્ચાનો ડિબેટ શૉ કે અવનવા વિચિત્ર ખૂન-કતલના કિસ્સાઓ સાંભળવાનો શોખ તો ન જ હતો પણ ફિલ્મી ગીતો અને ફિલ્મોમાં રહેલા લાગણીશીલ રોમાન્સ કરતા પાત્રોની પ્રેમગાથા સાંભળવાનું ગમતું. પ્રાણી હોય કે પક્ષી, આ ધરતી પરના જીવોમાં રસ ન રાખતા ટોમ એન્ડ જેરી કેટલીક વાર જોઈ ખડખડાટ હસી પડતો. તે મેલું થયી ગયેલું રિમોટ શોધી રહ્યો હતો જેથી ટીવી પર કંઈને કંઈ તો જોવા મળે. નાની એલ.ઈ.ડી. સ્ક્રીન પર કૃતિકાની એક ઝલક જો જોવા મળે તો હાશ થાય.

        રિમોટના તો ઠેકાણા ન હતા, શોધે ત્યારે એ ન મળે ઉપરથી શોધવા જઇયે ત્યારે સોફાના નીચે રહેલા નળાકાર, ધૂળથી મેલા, જુના રિમોટના સેલ મળી આવે. આંખો ઝીણી થઈ બધે શોધી રહી હતી. ત્યારેજ, કૃતિકાએ આપેલા ડિવોર્સ પેપર પર નજર પડી. સેંટર ટેબલેના નીચે પડેલું તે લમચોરસ કાગળ જોતાજ રોહને તે ઉંચકી લીધું. સુનમુન ચેહરો થયો અને હતાશાના ઊંડા ભાવો ક્યાંક હૃદયના કોમળ ભાગને કોચાયા. રોહનનું મીઠું એવું મુખ હતું જેના પર પુરુષાર્થની આભા કાયમ રહેતી, અડગ મનોબળ અને પત્ની કૃતિકાની પ્રતિભા પર વિશ્વાસ રાખનારા રોહનની આંખોંમાંથી બે અશ્રુ ઝર્યા.

        દાંપત્ય જીવનના કેટલાક વીતેલા દિવસો યાદ આવી રહ્યા હતા. જેમાં ફક્ત પ્રેમ હતો. બાકીની વાતો માટે તે પ્રેમી પંખીડાઓ માટે સમય ન હતો, માટે દુનિયાની કૂથલીયોમાં ભાગ લેવામાં તેમને રુચિ ન હતી. પણ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં થતા રાજકારણ અને બેકસ્ટેજમાં થતી દોડધામ વિષે તેઓ એક ઠેકાણે બેસી કલાકો સુધી વાતો કરતા. એક નાનકડા ઘર માટે જેમ તેમ કરીને ચૂકવેલા પૈસા યાદ હતા. પણ, જ્યારે પૈસા મળતા ત્યારે તેને આનંદમાં પલટાવવાની મઝા પણ યાદ હતી. વન બેડરૂમ હોલ કિચનના ઘરમાં માંડ માંડ સ્પ્લિટ એસી ફિટ થયું અને કમ્પ્રેસર બારીની કિનારી પર બેસાડ્યું હતું એટલે બારી પણ ખોલતી વખતે કુમ્ભકરણને જગાડવા જેટલી મેહનત, ધીરજ અને હિમ્મત લાગતી. જૂનું ફ્રિજ પણ હતું, તેથી વોશિંગ મશીન માટે જગ્યા ઓછી પડતી. તેથી કૃતિકા પસીનાથી રેબછેબ થયેલા રોહનના કપડાં પોતાના હાથે ધોતી અને બારી ખોલવાનું સાહસ ન કરતા, સેટ-અપ બોક્સના કાળા લટકતા વાયર પર સુકવી દેતી. બેડરૂમ પણ સારો એવો હતો જેમાં એક સ્ટડી ટેબલ હતું જેના પર રોહનના કાગળોનો પસારો રહેતો. એક વિશાળકાય કબાટ હતું, જેના સનમાયકા તૂટ્યાં હોય છતાં એમ લાગતું કે સુથારે કબાટ પર કોતરણી કરી છે. બેડરૂમમાં એક ખાટલો હતો જેના પર સુતા એક પડખું ફેરવીએ તો ઉંદરો કિકિયારી મારતા હોય તેવો અવાજ આવે અને પછી જેમ તેમ આવેલી ઊંઘ પણ ઉડી જાય. નિર્મળ પાણી સમા ચમકતી આરસી અને નીચે રહેલું ડ્રેસિંગ ટેબલનું દમ લગાવી ખોલવું પડે તેવું ડ્રોવર અને તેમાં રહેલો કોસ્મેટિક્સનો સામાન અને તેમાંથી આવતી મનોરમ સુગંધ અને કાંચની નાનકડી અત્તરની બાટલીઓની મહેક થી લઇ તે છેક લગેજ બેગ પર લાગેલા કરોળિયાના જાળીયા… આ બધુંજ તેમને તેમ જ રહ્યું હતું. જેમ રાણી પોતાના વતનને છોડી બીજા રાજ્યમાં જતી રહે અને રાજ્યની વિપુલતા ધીમે ધીમે ઓછી થાય તેમ ઘરના અસબાબને તેની માલકીન છોડી જવાથી ઘરની દરેક વસ્તુ સ્થિર બેઠી તે સૂના થઈ ગયેલા ઘરની શોભા વધારી રહી હતી.

        દૂરના મહેમાનો જયારે ઘરે આવેલા ત્યારે, પાણી સમજી વિનેગર અપાઈ ગયું હતું, તે વાત યાદ કરી રોહનના સુકા હોઠો હસ્યા પણ ખરા. પણ, તેઓએ મળીને કેટલાક દુઃખોનો અડગ રહી સામનો કર્યો હતો તે યાદ કરી આંખો ફરી ભીની થયી. ભંગાર વાળા રામુ અંકલ પાસેથી ઈનસ્ટોલમેન્ટ ભરી ભરીને લીધેલો મોંઘો, આલીશાન, જર્મન લેધર સોફો પણ કેટલીક યાદ અપાવતો. કામથી થાકીને આવી તરતજ તે સોફા પર પગ લંબાવી લીધેલી આરામદાયક નીંદર અને સોફા પર બેસી નાસ્તો કરતી વખતે ડીશથી પડેલા બટેટાપઉંવા લેધર પર ચીપકી જઈ તેલની છાપ છોડી ગયા હતા અને તે નાસ્તા પરથી કૃતિકાએ બનાવેલી કેટલીક વાનગીઓ પણ યાદ આવી. કોઈકવાર શાક બળી જતું તો કોઈકવાર ભાત, રોજ રોટલીઓ અવનવા દેશના નક્શાઓનો આકાર લઇ લેતી, આજના દેશની સરહદો વેર ઉત્તપન કરે પણ તે રોટલીઓ ગોળ ભલે ન હતી, પણ નકશો બની પતિ-પત્નીનો પ્રેમ જરૂર વધારતી. મરી-મસાલા કબાટમાં ને કબાટમાં રહી ક્યાંક ખોવાઈ જતાં. રોહનને હાથ લંબાવી આપવા પડતી બરણીમાં રહેલી સાકાર જાણે કોઈ દિવસ ખુટતીજ નહિ. “પાડોશી શા કામના?” આમ કરેલો કૃત્તિકાનો પ્રશ્ન રોહનને દાદરા ચઢાવી-ઉતરાવી થકાવી દેતો અને રોજ વાગતી ડોરબેલના કારણે પાડોશીઓ પણ કંટાળતા નહિ. આમ સંપ હતો અને ત્યાં જંપ હતો. આમ સોફા સાથે તો ઘણી યાદો સંકળાયેલી હતી પણ જેમ જીવનના વર્ષો વીતતા જાય અને મનમાં રહેલા ભાવો ઉત્સાહથી અતિરેકમાં બહાર આવે તેમ આજે તે સોફા માંથી બે સ્પ્રિંગ ઉછળીને બહાર આવી હતી.

        વિદેશ ફરવા જવા માટે પૈસા ન હતા. પણ, રોહનનો એક મિત્ર ઘણી મદદ કરતો. ભારતમા કોઈ પણ ઠેકાણે ફરવા જવા માટે સસ્તી હોટેલો અને સસ્તામાં ટિકિટો બુક કરી આપતો. આમ લગ્ન પછી ભારતમા જ રહી ઘણા સફરો કર્યા. ગોવાના બીચ પર કરેલી મસ્તી અને ઉત્તર પ્રદેશની ખડખડ વહેતી નદીમાં કરેલું રાફ્ટિંગ, બધુંજ યાદ હતું. ભારતમાં ત્રણ ચાર જગ્યાએ ફર્યા હતા પણ મુંબઈમાં રહેતા માટે મુંબઈ સૌપ્રથમ ફર્યા હતા. એન.સી.પી.એ. કે પૃથ્વી થિયેટરમાં કોઈક વાર સારા નાટકો જોવા જતા અને પછી તેના પર અનંત ચર્ચા પણ કરતા. મ્યૂઝીયમનો શોખ કૃતિકાને ન હતો પણ જેમ મોલમાં પત્નીઓ માટે અનાકર્શકતાથી, નીરસતાથી વિન્ડો શોપિંગ કરતા પતિઓના પગ દુખે તેમ કૃતિકાના પગ અને આંખો, તે જુના શુરવીરોના ભાલા, બખ્તરો, યુદ્ધ ઓજારો, આદિવાસીઓના વાસણો, ચિત્રકામ, વગેરે જોઈ થાકી ચુક્યા હતા. કોઈક વાર કૃતિકા શાસ્ત્રીય સંગીત જોવા જતી, રોહન પણ હૃદય પર પથ્થર મૂકી તેની સાથે જતો, એક વાર તો રોહન કંટાળીને હોલ છોડી જતો રહ્યો અને કૃતિકાને એમ લાગ્યું હતું કે આમ સંગીતનું અપમાન થયું છે. માટે પછી તે સંગીત ના કાર્યક્રમોમાં એકલી જ જતી. હઁગિંગ ગાર્ડનમાં બન્ને બાકડા પર બેઠા, વારાફરથી એકબીજાના ખભા પર માથું રાખી તે સોહામણી સાંજની સુંદરતા માણતા અને સુર્યાસ્તને આંખોંમાં વસાવી ફરી એક આવાજ ઉલ્લહાસાત્મક દિવસની માંગણી ઈશ્વરથી કરતા. ચરની રોડ ચૌપાટી પર સંતરા અને ખસખસ એમ બંને સ્વાદનો ગોળો ખાઈને લીલી-નારંગી થયેલી જીભ અને મોટા મોલમાં રાતે સાડા અગિયાર વાગેની મોડામાં મોડી ફિલ્મ જોઈ પાસેના જ દુકાનની મોંઘી મીઠી આઈસ-ક્રીમ ખાઈને થયેલી શરદી પણ યાદ હતી. જો રોહન બીમાર પડે તો કૃતિકા પોતાના કોમળ હાથો વળે માથું દબાવી આપતી. દવા લેવાની ઝનઝટ કરતા બાજુમાં જ રહેતી મરાઠી બાઈ શાંતા પાસેથી આયુર્વેદિક દવાઓ લઇ આવી રોહનને પીવડાવતી. તે દવાની ચમચી ભલે સ્ટેનલેસ સ્ટીલની ન હતી પણ કૃતિકાના મનમાં રહેલી ઉદારતા અને રોહનમાટે સર્વસ્વ કરી ચુકવાની ભાવનાથી જ તેમના વચ્ચે અતૂટ પ્રેમનો બંધન જાગ્યો હતો. જો મોડી રાત સુધી લેપટોપ પર કામ કરે તો ઠપકો આપતી કૃત્તિકાનો ગુસ્સો અને આખી રાત જાગી તે ઠંડી, સફેદ ચાદરો પર બેસી આભને બારી મારફતે જોઈ તારા ગણતા ગણતા કરેલી પ્રેમની અસંખ્ય વાતો પણ રોહન ન ભૂલી શક્યો હતો. તહેવારો માટે ઘરની સાફ સફાઈ કરતી વખતે મળી આવતી જૂની ચીજ-વસ્તુઓ પણ કિંમતી લાગતી. તો તકિયાઓ ગોઠવતી વખતે, પડદાઓ સરખા કરતી વખતે રોહન કૃતિકાની પાછળ પાછળ ભમરાની જેમ ફર્યા કરતો અને કૃતિકા પણ ફૂલ બની પોતાની સુગંધથી ભમરાને બાથમાં ભરી લેતી. રોહન ઘરની વસ્તુઓને નહિ પણ કૃતિકાને જ અમૂલ્ય સમજતો, એમ લાગતું કે જેમ દુનિયાને સમજી વિચારી જોઈએ તો કૃતિકા એ મળી આવેલી કિંમતી એવી સ્ત્રી છે. કાળા કોલસા હોય અને તેની અંધારી ખાણો માંથી તે સદા ચમક્તો હીરો છે, તેમ કૃતિકા રોહન માટે વિચારતી.

        જયારે રોહન અને કૃતિકાના લગ્ન થયા ત્યારે બારણે તોરણ બંધાયા હતા, તે તોરણને સાથે મળી તારાઓથી શણગારવાના સપના હતા અને મન થતું, ચંદ્રને લાવી તોરણના વચ્ચોવચ્ચ મૂકી વધુ સજાવી ઘરની શોભા વધરાવનું. અંતરિક્ષની વિશાળતા અને તેમાં રહેલા અસંખ્ય તારોથી એક મોટી રંગોળી પાડવાનું પણ મન થતું. આમ તો ચંદ્ર નજીક જ હતો કે એક છલાંગ મારી પહોંચી જવાય. પણ, ચંદ્રની ચાંદની રાતો નહિ, મંગળની મંગલમય યાત્રાઓની વધુ ચિંતા હતી.

        રોહન અને કૃતિકાના લવ મેરેજ થયા હતા માટે દાંમપત્ય જીવનમાં પ્રેમ સિવાય કોઈ ભાવની જગાજ ન હતી. શરુવાતના બે વર્ષ પ્રેમની નદીઓ વહાવી. પણ, પછીનાં ત્રણ એક વર્ષોમાં તે લવ મેરેજમાં રહેલો લવ ઓછો થયો અને દાંમપત્ય જીવનની મીઠાશ ઓછી થતી ગયી. આખરે ગળિયું ખાતા મોં ભાંગે તેમ પ્રેમાળ જીવનની ગમ્મત અને મસ્તી હવે ફિક્કી પડી હતી. કૃતિકા પોતાને મળતા સીરીયલ્સ અને નાટકોના રોલ્સ તરફ વધુ ગંભીર બની હતી. કૃતિકાને એક સફળ મોડેલ અને પ્રખ્યાત અભિનેત્રી બનવું હતું.

        કૃત્તિકાનો પણ એક અતીત હતો. તેનાં માં-બાપ ન હતા, આંઠ વર્ષની થઈ ત્યારે અનાથ આશ્રમમાંથી ભાગી આવી અહીં મુંબઈના એક નાનકડા રેસ્ટોરેન્ટમાં કામ કરતી, બાળ મજૂરી કરી ગુજરાન ચલાવતી. નાનપણથી જ નીડર હતી, તેથી મહિલાઓ વિરૃદ્ધ થતા અત્યાચારોથી ડર્યા વગર એક કષ્ટાળું જીવન જીવતી. રેસ્ટોરેન્ટનો માલિક કૃતિકા પર શ્રદ્ધા રાખતો. તેણેજ, રોજ જમવા આવતા એક નાટકના દિગ્દર્શક સાથે કૃતિકાની મુલાકાત કરાવેલી. પછી તો નાટકોમાં નાના-નાના રોલ્સ મળવા લાગ્યા. પછી પણ પેટ ભરી શકાય અને ખુલ્લા આકાશમાં પંખી બની ઉડી શકાય એવી તો પરિસ્થિતિ હતીજ નહિ. પછી તેને સારો, રૂપવાન યુવક રોહન મળ્યો. જે એક ફ્રીલાન્સ નાટ્યલેખક અને સ્ક્રીનરાઇટર તરીકે કામ કરતો. કૃતિકા એ જેટલા પણ નાટકોમાં કામ કરેલું તેની સ્ક્રિપ્ટ મુખ્યત્વે રોહને જ લખી હતી. એ પણ મહેનત કરતો. મોટો થયો ત્યારે તેના માં-બાપ તેને દાદી પાસે છોડી લંડન સ્થાયી થયા હતા. જયારે રોહન અઢાર વર્ષનો થયો ત્યારે, દાદી પણ મૃત્યુ પામી અને રોહનનો એક સહારો ડગમગાયો. પણ, હિમ્મત હાર્યા વગર આગળ વધતો રહ્યો. આમ રોહનને પોતામાં રહેલી પ્રતિભા અને પોતામાં રહેલા અધભુત માનવ પર પૂરો વિશ્વાસ હતો. આમ ધીરે ધીરે એક બીજાથી પ્રભાવિત થઈને રોહન અને કૃતિકા એક બીજાના પ્રેમમાં પડ્યા અને તરતજ લગ્ન કરી આગળ વધવાનું અને આગળનું જીવન સાથે વિતાવવાનું વિચાર્યું.

        રોહનને આરામદાયક જીવન જીવવું હતું. મહેનત કરવી હતી પણ સોફા પર બેઠા બેઠા, પૈસાનો વરસાદ જોવો હતો. જયારે કૃતિકા એ હરણથી ઓછી ન હતી. કૃતિકાને જલ્દી હતી જીવનને એક સફળ સપનામાં પલટાવવાની. મહેનત બન્ને કરતા, ઝગડતા પણ કરતા, તો પછી ક્યારેક પ્રેમાળ બની, શાંત થઈ, બધુંજ ભૂલી જતા. નરીમન પોઇન્ટ પર કેટલીક વખત મકાઈનો ભુટ્ટો પણ માણતા. તે ભવ્ય એવા સમુદ્રનાં મોજા ગણતા તો કેટલીકવાર પોતાનું ખખડધજ સ્કૂટર લઇ આખું મુંબઈ ફરી વળતા.

        પણ, એક દિવસ ઝગડાએ મોટું સ્વરૂપ લઇ લીધું. કૃતિકાએ પોતાની સફળતાનાં સપનાઓ પાછળ તે  એક વહુઘેલા પતિને છોડી ચાલી ગયી. રોહન વિચારતો રહ્યો કે તેની લાડકી કૃતિકા કયા શિખરે પહોંચવા ચઢતાચઢતા મને પાછળ છોડી જતી રહી? કૃતિકાને લાખ ફોન કર્યા, હજારો ઇ-મેઇલ અને પાડોશીના ઘરનો વાઇ-ફાઈનો પાસવર્ડ ચોરી લઇ તેમના નેટવર્કથી વૉટ્સએપ પર મેસેઝ કર્યા. પણ, જવાબ મડ્યોજ નહિ. કદાચ કૃતિકાએ પોતાનો નંબર બદલી નાખ્યો હતો.

        આ બધા વિચારોથી રોહનના ફ્રીલાન્સ કરીયર પર પણ અસર થઇ. દારૂ, બીડી જેમ કોઈ વ્યસન નહિ પણ સફળતાની સીડીએ ચઢતી તે એક સુંદર, વિચારશીલ, ઉદાર પણ નાસમજ કૃતિકાને ટી.વી પર આવતી સાસ-બહુની સીરિયલમાં ગ્રિસલિનના આંસુ વહાવતા જોવાની લત લાગી હતી. રોહનના અસ્તવ્યસ્ત થઇ ગયેલા ઘરમાં આજ સુધી ટી.વી. ચાલુ કરવા માટે કૃતિકાજ રિમોટ શોધી આપતી. પણ આજે તે કાળું, લીલા, લાલ, પીળા, બટન વાળું મેલું રિમોટ ક્યાંક ખોવાઈ ગયું હતું. રોહને બધા વિચારો બાજુ પર મુકયા અને સોફા પરથી ઉઠ્યો. પોતાના રુક્ષ સૂકા પણ કૃતિકાના ગાલે અડતાંજ કોમળ થઇ જાય તેવા હાથે બેડરૂમમાં જઈ પોતાના સ્ટડી ટેબલ પર પેન સ્ટેન્ડમાંથી એક કલમ ઊંચકી. પાડોશી બહાર ગયા હતા જેથી તેમના ઘરે ટી.વી. સીરીયલ જોવા માટે જઇ શકાય તેમ શક્ય ન હતું. બાકી રોહનને એમ લાગતું કે કોઈ પુરુષ જો આવી મહિલાઓની રડકુ સીરીયલ જોતા પકડાશે તો લોકો શું કહેશે. સીરીયલ જોવાની વાત તો દૂર જ હતી કારણકે રોહનનું મન આજે ગંભીર દુવિધામાં ફસાયું હતું. રોજ તેની સારવાર કરતી, ચિંતા કરતી, પ્રેમ કરતી. મીઠા વગરની દાળ અને ક્યારેક તો સાકર વગરની ચા બનાવી આપતી, તે અસ્થિર કદમોથી જીવન સાફલ્યના પંથ પર દોડતી, એક માર્ગદર્શકજેવા રોહનનો સાથ છોડી તે કૃતિકા એકલી સફરે નીકળી હતી અને પાછળ બસ પોતાની મીઠી યાદો અને તે પંખાની હવામાં ઉડ્યા કરતુ બ્લેક એન્ડ વાઈટ ડિવોર્સ પેપર છોડી ગઇ હતી.

        રોહને હાથ ઉચક્યો અને બીજા હાથેથી ટેબલ પર આધાર લેતા, ડિવોર્સ પેપર સ્થિર કરી, કલમની ટોચ પપેરને અડાડી, વિજળીના ઝડપથી પોતાની સાઈન કરી ગયો. પણ… પણ, કઈ થયું જ નહિ, પેનની નીબમાંથી ઇન્કનું એક પણ ટીપુંયે બહાર ન આવ્યું. શું ખબર એતે કેવો અપરંપાર પ્રેમ રોહનના મનમાં હતો કે લગ્ન પહેલા કૃતિકાને અસંખ્ય પ્રેમ પત્રો લખ્યા હતા કે જેથી આજે ડિવોર્સ પેપર પર નાનકડી સાઈન કરવા પણ પેનમાં શ્યાહીજ ન બચી હતી. રોહન ધીમો હસ્યો અને તે ડિવોર્સ પેપર ફાડી કચરાના ડબ્બામાં ફેંકી દીધું. નવી કલમ શોધવાને બદલે, તે સકારાત્મક રહ્યો અને ફરી રિમોટની શોધ શરુ કરી. આ વખતે તેની નજર અરીસાના નીચે રહેલા ડ્રેસિંગ ટેબલ પર પડેલા ફોટો પર પડી. મનાલીની સસ્તામાં કરેલી ટૂરમાં કૃતિકા સાથે પડાવેલો ફોટો હજી જાણે કાલેજ પાડ્યો હોય તેમ તાજોજ લાગતો હતો. રોહને પોતાની આંખો બંધ કરી અને કૃતિકા સાથે પહેલી વાર કરેલી પ્રેમભીની વાતો અને પહેલી ડેટ પરનું ભારે બિલ યાદ કરતા તે બોલ્યો, “પૈસા અને સંબંધો કેટલા હલકા છે કે પાણી સામા પારદર્શક જીવન પર તરતા વહાણની યાદ અપાવે છે. જેમ વહાણોને તોફાનમાં સંઘર્ષ કરવો પડે તેમ સંબંધો જાળવવા અને પૈસા મેળવવા માટે પણ ઘણો સંઘર્ષ છે. ખરેખર પ્રેમ માનવીને આંધળો બનાવી દે છે. કૃતિકા પોતાના અભિનય પાછળ આંધળી થઈને મને છોડી જતી રહી! હું અહીં તેજ રિમોટની શોધ લઇ બેઠો છું? કેમ હું મારા અંતરમાં રહેલા વિઘ્નો છોડાવી નથી શકતો? આખરે હું એક મનુષ્ય છું જેમાં અસંખ્ય ભાવો છે. કેમ નહિ હું પોતેજ એક ટી.વી. બની જાઉં? રિમોટની શું જરૂર છે? જેમ ટી.વી.માં અસંખ્ય ચેનલો હોય અને મનમોહક રંગો હોય તેમજ હું પણ કેમ નહિ… કેમ નહિ ચેનલો બદલાય તેમ જીવનના પ્રસંગો બદલું? પોતાનાજ રંગો બદલું?” આમ રોહન મનમાં ને મનમાં વિચાર કરતો અને કૃતિકા સાથે શરમાઈને કરેલી પ્રેમભીની વાતો વાગોળતો હતો.

        આખરે રોહન કૃતિકાની પ્રેમભરી, મીઠી યાદોમાં રડી પડ્યો. પછી તેનું મન હળવું થયું. ગણેશના તહેવારના દિવસે કોઈ એલેકટ્રોનિક્સની સેલમાં કૃતિકાની જિધના કારણે સસ્તા ભાવમાં ખરીદેલા બેતાળીશ ઇંચના એલ.ઈ.ડી. ટી.વી. સમક્ષ જઈ ઉભો રહ્યો અને અગણિત સપનાઓના શીતળ, શુભ્ર એવા રંગો એમાં રેડી દીધાં. રોહન કૃતિકાના વિષેજ વિચારતો તો ક્યારેક દાંમપત્ય જીવન વિષે તો ક્યારેક પોતાના વિષે અને લગ્ન જીવનના હાસ્ય વિષે વિચારતો. પણ, એક મુદ્દે આવી તે અટકી જતો એ મુદ્દો હતો ‘પ્રેમ’. પ્રેમજ જીવન સાફલ્યનું પહેલું પગથિયું છે એમ લાગતું અને પ્રેમથી જ આગળ વધી શકાય તેવું રોહનનું માનવું હતું. રોહને નજર જમણી દીવાલ પર લાગેલી ઘડિયાળ પર ટકાવી અને જોયું તો ઘણા કલાકો વીત્યા હતા. “જીવન કેટલા જલ્દી દોડે છે, શું આપણે જીવન ધીમું નથી કરી શકતાં? શું આપણે એવા સ્ટેશનની શોધ નથી કરી શકતા જ્યાંથી જીવનની ધીમી ગાડી ઉપડે અને આપણે રસ્તામાં આવતા બધાજ પ્રસંગો અને બધાજ સ્ટેશન પર અટકી ખુલીને આનંદ માણી શકીયે? કેમ નહિ?”

        કૃતિકાને ઘર છોડી જઈ બે મહિના થયા હતા ત્યાં હજી રોહને એક રિમોટની શોધમાં આખું ઘર સાફ કર્યું હતું. જયારે સાંજ થતી ત્યારે રોજ કૃતિકાને યાદ કરી તેની સીરીયલ સફળતાતી ચાલી રહી હશે અને ઘરની વહુઓ અને અન્ય મહિલાઓ તે જોઈ રડતી હશે એમ પ્રાર્થના કરતો. કૃતિકા એક સમજુ છતાં જલ્દી નિર્ણયો લઇ આગળ વધનારી સ્ત્રી હતી. જેને ખબર હતી કે જીવનની કોઈ ધીમી ગાડી નથી મળતી, અહીં ફાસ્ટ લોકલનો જમાનો છે. સેકન્ડ કલાસમાં પસીનાની દુર્ગંધ કરતાં, ફર્સ્ટ કલાસમાં શ્રીમંતોના શરીરમાંથી આવતી મોંઘા પરફ્યૂમની સુગંધ માણી ખુશ રહો અને આમ ઝડપી ગાડી પકડી, ઝડપથી આગળ વધો. અહીં ટિકિટ નહિ, આખી જિંદગી ચાલે તેવો પાસ મળે છે. ઝડપથી જીવન સફળ કરો, આગળ વધો, પ્રસિદ્ધ થાવ.

        અઢી મહિના થયા હતા અને કૃતિકા હજું પાછી આવી ન હતી. રોહન બસ કૃતિકા વિષેજ વિચારતો અને સીરિયલમાં નાના રોલ્સમાં પાત્રોની ભૂમિકાઓ ભજવતા જોવાની ઉત્કંઠા વધતી હતી. તેના વિચારોમાં રોહને એક નવલકથા લખવાની શરુ કરી જે ફક્ત પ્રેમ પર આધારિત હતી. પોતાના સ્ટડી ટેબલ પર પસારો હતો અને અદપ વાળી તે માથું ટેબલ પર ટેકવી રાત્રની અપૂરતી ઊંઘ પુરી કરતો. તેટલામાંજ દરવાજા પર જોર જોરથી ખખડાવવાનો અવાજ આવ્યો, બે ત્રણ બેલ વાગ્યા. પછી રોહન જાગ્યો અને દોડીને દરવાજો ખોલ્યો ને કડીઓ ખોલી ધડામ દઈ દરવાજો બહારની બાજુએ ખોલ્યો. જોયું તો દૂધ વાળો એક હાથે પોતાનું નાક મસળતા અને બીજા હાથમાં દૂધની થેલી લઇ ઉહો હતો. જાણે પૈસા જ જોઈતા હોય તેમ મુખ પર થોડું સ્મિત રાખી ડોકું હલાવ્યું. રોહને દૂધના થતા પૈસા ફૂલના કુંડામાં રહેલા પાકીટમાંથી કાઢી આપ્યા અને દૂધની થેલી લઇ દરવાજો બંધ કર્યો, દૂધ ફ્રિજમાં મુકયું, ને ફરી એક બેલ વાગ્યો. આ વખતે કોણ આવ્યું પાછું. આમ આશ્ચર્યનો ભાવ રાખી દરવાજો ખોલ્યો. આખોંના નેત્રપટ પર જાણે એવી એ તેજસ્વીતા પડી કે તે એક સુંદર મુખ જોવા પાંપણો સ્થિર રહી, આતુર થયેલા મનને સંદેશો પહોંચાડી રહી હતી કે પરી પાછી આવી ગયી છે, સદાબહાર વસંત લાવી છે. રોહન અવાક રહ્યો અને તેની આંખોમાંથી અમૃત સમા દિવ્ય અશ્રુબિંદુ ઝરી પડ્યા.

        કૃતિકા રોહન સમક્ષ ઉભી હતી. કૃતિકા રોહનને વળગી પડી. જાણે લાગ્યું કે એક રાજકુમારને ઘણા સંઘર્ષ પછી રાજકુમારીનું સુંદરતાથી છલકાતું મન પ્રાપ્ત થયું છે ને સ્થિર રહેલા અસબાબને માલકીન પાછી મળી ગયી છે. કૃતિકાએ પોતાની નજર ચારે બાજુ ફેરવી. ઘર બદલાઈ ગયું હતું. જૂનું લાગતું તે ઘર હવે ચમકતું એક નવું ઘર લાગતું હતું. રોહને અસબાબ તેમનો તેમજ રાખ્યો હતો પણ ઘરની દીવાલો પર નવો રંગ કર્યો હતો અને મનાલીમાં પડાવેલો તે ફોટો મોટો કરી, ફ્રેમ કરી, મોટી દીવાલ પર લગાવ્યો હતો. તે ફોટો જૂનો હતો પણ તેમના ભાવો પ્રેમાળ હતા માટે તે નવોજ લાગતો. પાછળ રળિયામણા ડુંગરો, ખુલ્લું આકાશ હતું. જયારે રોહન અને કૃતિકા બન્નેના હાથ એકબીજાના ખભા પર હતા. તે ફોટોમાંથી એવો એ પ્રેમ ભાવ ઝરતો કે વિચારી ન શકાય કે તેમના વચ્ચે કેવો પ્રેમ હશે, કેટલો પ્રેમ હશે. કૃતિકા તે ફોટો જોઈ રડવા લાગી અને રોહનને ફરી વળગી ગઈ અને માફી માંગવા  લાગી. કૃતિકાને પોતાની ભૂલ સમજાય હતી અને ઉતાવળમાં લીધેલા તે એક ડગલાનું પ્રાયશ્ચિત રોહન સામે કરી રહી હતી. રોહને કૃતિકાને પૂછયું, “મેં આખું ઘર સાફ કર્યું, બધેજ શોધ્યું, પણ ટી.વી.નું રિમોટ ક્યાંયે ન મળ્યું. તારી સિરિયલ જોવા માટે મારી ઉત્સુકતા ધીમે ધીમે ઓછી થતી હતી. પછી પણ હું તનેજ યાદ કરતો અને બસ આ ટી.વી.ને રિમોટ વગર કઈ રીતે ચાલુ કરી શકાય તેજ મને ખબર ન હતી. માટે હું બસ રાહ…”

        કૃતિકાએ પોતાના પર્સમાંથી તે રિમોટ કાઢ્યું. મેલું, કાળું એ રિમોટ નવુંજ હોય તેમ ચમકી રહયું હતું. કૃતિકા બોલી, “રોહન મને માફ કરી દે, આ રિમોટ મેં તારી યાદ માટે ઘરથી નીકળતી વખતે સાથે લઇ લીધું હતું, માટે હું જયારે સીરિયલમાં રડી રડીને નવરી થાવ ત્યારે… ત્યારે તને યાદ તો કરી શકું.” બન્ને હસ્યાં અને ફરી વળગી પડ્યા.

        રોહનતો ટી.વી. હતો અને કૃતિકા તેનું રિમોટ બની ગઈ. તેઓ તેજ સોફા પર બેસી સિરિયલ જોવા લાગ્યા. દામ્પત્ય જીવનની મીઠાશ ફરી જાગી હતી. જેમ સાકર વગરની ચા હતી પણ હવે સાકરની આખી બરણિજ રોહનને મળી ગઈ હતી. દિવાળી નજીક હતી માટે ઘર ફરી સાફ કરતા, લગ્નનું જૂનું તોરણ મળી આવ્યું. આ વખતે ખરેખરજ બજારમાંથી તારાઓના આકારના સ્ટીકર લાવી એના પર ચોંટાડ્યા. (તોરણે આમ તારા બાંધ્યા.), તોરણ બારણે બાંઘ્યું અને તેમના જીવનમાં ફરી પ્રેમની નદીઓ વહે તેમ પ્રાર્થના કરી. આ વખતે કોઈ જલ્દી ન હતી. બસ જીવનમાં એક નવો શુભારંભ થયો હતો.

        હવે તેજ નવા જીવનને આવકારતા, ખુલ્લા બારણે લટકતા, તેજસ્વી તોરણને વિશ્વાસ અને લાગણીથી, ઝળહળતી દિવ્યતાથી, ઉજ્જવલીત થતા તારાઓથી શણગારી દીધું હતું. હવે તો બસ તે તોરણને નિહાળતા રહેલા તેજ બે પ્રેમી પંખીડાઓ ખુલ્લા આકાશમાં આઝાદ થઇ પ્રેમ ફેલાવવા ક્યાંક ઉડી ગયા.

દિગંત સુરતી 

અર્થ / બોધ / મંતવ્યો

        પતિ પત્નીના આવા મિશ્ર અને જુદા પડતા વિચારો, પૂર્વગ્રહો અને ભાવોના કારણેજ આજે આ વિશ્વ પર પ્રેમ છે. જો વિચારો સરખા હોત, મનમાં રહેલા ભાવો સરખા હોત તો આજે તે ટી.વી રચાયું જ ન હોત. રિમોટ કંટ્રોલ તો દૂરની વાત છે. જયારે સુરજ આથમી ચંદ્રનો ઉદય થાય છે, તે વખતે આકાશ રંગીન થઇ પોતાના રંગોનો તે મેળાપ ઉજવે છે. સાંજ થાય ત્યારે વાદળાઓ રંગો પ્રદર્શિત કરી નવું ચિત્ર રચે છે. આપણે મનુષ્યો છીએ, જેમના રંગો અણધાર્યા છે. હવે આપણે વિચારવાની જરૂર છે કે ફક્ત એક પ્રેમ જેવો મીઠો ભાવ જીવન પલટાવી શકે, તો વિચારો કે આપણા મનના ઊંડાણમાં રહેલા અસંખ્ય, રંગબેરંગી ભાવો શું ચમત્કાર લાવી શકે છે, જગત પલટાવી શકે છે. નફરતનું કડવું ઝેર નહિ પણ પ્રેમનું પાવન અમૃત જો માનવ ગ્રહણ કરે તો આ અવનીના અસ્તિત્વની મહિમાનું વર્ણન કરવું અસંભવિત છે. આપણે મનુષ્યોજ વિશ્વને સ્વર્ગ બનાવી શકીએ છીએ, જીવન સફળ કરી શકીયે છીએ. બસ, જરૂર છે સમજની અને મનમાં રહેલો પ્રેમ ભાવ ખીલવવાની.

દિગંત સુરતી 

આ વાર્તા વાંચવા તમારો ખુબ ખુબ આભાર

આવીજ વાર્તાઓ લઇ હું ફરી આવીશ.

 

આ વાર્તાનો વિડિઓ જોવા માટે નીચે આપેલી લિંક પર ક્લિક કરો,

 

ભાગ એક – https://youtu.be/-QgOWV36vuI

ભાગ બે – https://youtu.be/qtjSPlITRpc

ભાગ ત્રણ – https://youtu.be/nNZNm9v477s

ભાગ ચાર – https://youtu.be/2hnb4eFfEa8

ભાગ પાંચ – https://youtu.be/3r4tsARmhxg

ભાગ છ – https://youtu.be/7LzhsEvfuLc

મંતવ્યોનો ભાગ – https://youtu.be/cYF9VbED8Ck

 

મારી લઘુકથા ‘મહાનુભાવો મચ્છરો’ પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2016/10/06/%E0%AA%AE%E0%AA%B9%E0%AA%BE%E0%AA%A8%E0%AB%81%E0%AA%AD%E0%AA%B5%E0%AB%80-%E0%AA%AE%E0%AA%9A%E0%AB%8D%E0%AA%9B%E0%AA%B0%E0%AB%8B/

 

મારી લઘુકથા ‘પુસ્તકાલય’ પણ વાંચો.

વાંચવા માટે નીચે આપેલી લિંક પર ક્લીક કરો,

https://digantsurti.wordpress.com/2017/06/11/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B8%E0%AB%8D%E0%AA%A4%E0%AA%95%E0%AA%BE%E0%AA%B2%E0%AA%AF/

હવે મારો બ્લોગ ત્રણ ભાષામાં ઉપલ્ભધ – આપણી માતૃભાષા ગુજરાતી તો ખરીજ પણ ત્યાર બાદ હવે હિન્દી અને અંગ્રેજીમાં પણ.

digantsurti.wordpress.com

વાંચતા રહો…

તમારા બીજા ગુજરાતી મિત્રોને પણ આ વાર્તા જરૂર મોકલો.

શેર, કોમેન્ટ, લાઈક જરૂર કરો.

ધન્યવાદ

દિગંત સુરતી 

SD                                                                                          D.J.Surti

Advertisements

5 thoughts on “*.*.*.* તોરણે બાંધ્યા તારા *.*.*.*

  1. Dear Digant,

    Congratulations. You done a good job. You make us proud of you.

    From,
    Virendra, Vaishali, Masi, Masa, Palak and Daksh

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s